



મુખ્યપ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી
ગુજરાત એ સરહદી રાજ્ય છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરુ થઇ ગયો છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓની રાજાઓ પણ રદ કરવામાં આવી છે ત્યારે રાજ્યની વર્તમાન સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ આ વિગત સોશિયલ મીડિયા થકી જણાવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મુખ્ય પ્રધાને લખ્યું, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.