



વર્તમાન સંદર્ભ અને ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિના સદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમના સયુંકત વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા એ આજે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અધિક કલેક્ટર નારાયણ માધુ, નર્મદા ડેમના કાર્યકારી મુખ્ય ઈજનેર શુભમ ગોયલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા,એસઆરપીના ના નાયબ પોલીસ અધિક્ષક એલ.પી.ઝાલા અને ડેમના ઇજનેરો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં અરોરાએ ડેમની સુરક્ષા અંગે એકતા નગર એસઆરપીએફના અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી અને ઉપરાંત અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહારના માધ્યમો કોઈ પણ સંજોગોમાં કાર્યરત રહે તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપીને આને અન્ય વિકલ્પો પણ તૈયાર રાખવા માટે અને તકેદારીના પગલાઓ લેવા સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે જેથી પહેલાથી જ સમગ્ર નર્મદા યોજનાની જવાબદારી રાજ્ય અનામત દળના એક ગ્રુપ એકતા નગર ખાતે કાર્યરત છે અને આ ગ્રુપ દ્વારા રાઉન્ડ ઘી ક્લોક અને 365 દિવસ જરૂરી તકેદારી સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.આજે યોજાયેલ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોથી અવગત થઈને અરોરા એ કોઈ પણ સ્થિતિ ને પહોંચી વળવા માટે તકેદારી રાખવા અને એલર્ટ રહેવા સૂચના આપી હતી.